નજીક છે કે આકાશ ઉપરથી ફાટી જાય અને દરેક ફરિશ્તાઓ પોતાના પાલનહારની પવિત્રતા પ્રશંસા સાથે વર્ણન કરે છે અને ધરતીવાળાઓ માટે માફી માંગી રહ્યા છે, સારી રીતે સમજી લો કે અલ્લાહ તઆલા જ માફ કરવાવાળો અને દયાળુ છે
એવી જ રીતે અમે તમારી તરફ અરબી (ભાષામાં) કુરઆનનું અવતરણ કર્યું છે, જેથી તમે મક્કા અને તેની આજુબાજુના લોકોને સચેત કરી દો અને ભેગા થવાના દિવસથી સચેત કરો જેના આવવામાં કોઇ શંકા નથી, એક જૂથ જન્નતમાં હશે અને એક જૂથ જહન્નમમાં હશે
શું તે લોકોએ અલ્લાહ સિવાય બીજા વ્યવસ્થાપક બનાવી લીધા છે, (ખરેખર) અલ્લાહ તઆલા જ વ્યવસ્થાપક છે, તે જ મૃતકોને જીવિત કરશે અને તે જ દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે
તે આકાશો અને ધરતીનું સર્જન કરનાર છે, તેણે તમારા માટે તમારી જાતિ માંથી જોડી બનાવી અને ઢોરોની પણ જોડી બનાવી છે, તમને તે તેમાં ફેલાવી રહ્યો છે, તેના જેવી કોઇ વસ્તુ નથી, તે સાંભળનાર અને જોનાર છે
અલ્લાહ તઆલાએ તમારા માટે તે જ દીન નક્કી કરી દીધો છે, જેને સ્થાપિત કરવા માટે તેણે નૂહ અ.સ.ને આદેશ આપ્યો હતો અને જે (વહી) અમે તમારી તરફ મોકલી દીધી છે અને જેનો ચોકસાઇ પૂર્વક આદેશ અમે ઇબ્રાહીમ, મૂસા અને ઈસા અ.સ.ને આપ્યો હતો, કે આ દીન પર અડગ રહેજો અને આમાં વિવાદ ન કરશો, જે વસ્તુ તરફ તમે તેમને બોલાવી રહ્યા છો, તે તો મુશરિકો માટે નાપસંદ છે, અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, પોતાની નજીક કરી દે છે અને જે પણ તેની તરફ વિનમ્રતા દાખવે, તે તેને સાચું માર્ગદર્શન આપે છે
તે લોકોએ પોતાની પાસે જ્ઞાન આવી ગયા પછી વિવાદ કર્યો (અને તે પણ) અંદરો અંદર અતિરેકના કારણે, અને જો તમારા પાલનહારની વાત એક નક્કી કરેલ મુદ્દત સુધી પહેલાથી જ નક્કી ન હોત તો, ખરેખર તેમનો નિર્ણય થઇ ગયો હોત અને જે લોકોને ત્યાર પછી કિતાબ આપવામાં આવી, તેઓ પણ તેના વિશે વ્યાકુળતાભરી શંકામાં પડેલા છે
બસ ! તમે લોકોને આની જ તરફ બોલાવતા રહો અને જે કંઈ તમને કહેવામાં આવ્યું છે, તેના પર અડગ રહો અને તેમની મનેચ્છાઓનું અનુસરણ ન કરો અને કહી દો કે અલ્લાહ તઆલાએ જેટલી કિતાબો અવતરિત કરી છે, હું તેના પર ઈમાન ધરાવું છું અને મને આદેશ આપવામાં આવ્યો છે કે હું તમારી વચ્ચે ન્યાય કરું, અમારો અને તમારા સૌનો પાલનહાર અલ્લાહ તઆલા જ છે, અમારા કાર્યો અમારા માટે અને તમારા કાર્યો તમારા માટે છે, આપણી વચ્ચે કોઇ ઝઘડો નથી, અલ્લાહ તઆલા આપણા (સૌને) ભેગા કરશે અને તેની જ તરફ પાછા ફરવાનું છે
અને જે લોકો અલ્લાહ તઆલાની વાતોમાં ઝઘડો કરાવે છે, (લોકોનું) સત્ય વાત જાણવા પછી, તેમનો વાદ-વિવાદ અલ્લાહની નજીક વ્યર્થ છે અને તેમના ઉપર તેનો પ્રકોપ છે અને તેમના માટે સખત યાતના છે
તેની ઉતાવળ તે લોકો કરે છે, જેઓ તેને નથી માનતા અને જે લોકો તેના પર ઈમાન ધરાવે છે, તે તો તેનાથી ડરે છે, તેમને તેની સત્યતાનું જ્ઞાન છે, યાદ રાખો ! જે લોકો કયામત વિશે ઝઘડો કરી રહ્યા છે, તેઓ દૂરની પથભ્રષ્ટતામાં છે
જેની ઇચ્છા આખેરતની ખેતીની હોય, અમે તેની ખેતીમાં વધારો કરીશું અને જે દુનિયાની ખેતીની ઇચ્છા રાખતો હોય અમે તેને તેમાંથી થોડુંક આપી દઇશું, આવા વ્યક્તિનો આખેરતમાં કોઇ ભાગ નથી
શું તે લોકોએ એવા (અલ્લાહના) ભાગીદાર (ઠેરવ્યા) છે, જેમણે એવા દીનના આદેશો નક્કી કરી દીધા છે, જે અલ્લાહના આપેલા નથી, જો ફેંસલાના દિવસનું વચન ન આપ્યું હોત તો (હમણા જ) તે લોકો વચ્ચે નિર્ણય કરી દેવામાં આવતો. નિ:શંક અત્યાચારી લોકો માટે દુ:ખદાયી યાતના છે
તમે જોશો કે અત્યાચારી લોકો પોતાના કર્મોથી ડરતા હશે, જેની આફત તેમના પર આવશે અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તે જન્નતોના બગીચાઓમાં હશે અને તેઓ જે ઇચ્છા કરશે, પોતાના પાલનહાર પાસેથી મેળવશે, આ જ ભવ્ય કૃપા છે
આ તે જ છે, જેની ખુશખબરી અલ્લાહ તઆલા પોતાના તે બંદાઓને આપી રહ્યો છે, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તો કહી દો કે હું આના માટે કોઇ વળતર નથી માંગતો, પરંતુ તમારો પ્રેમ જરૂર ઇચ્છું છું, જે વ્યક્તિ કોઇ સત્કાર્ય કરે, અમે તેના બદલામાં વધારો કરી દઇશું, નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ ક્ષમાશીલ તથા કદરદાન છે
શું આ લોકો કહે છે કે (પયગંબર) અલ્લાહ વિશે જૂઠ્ઠું બોલે છે, જો અલ્લાહ તઆલા ઇચ્છે, તો તમારા હૃદયો પર મહોર લગાવી દે અને અલ્લાહ તઆલા પોતાની વાતોથી જૂઠને નષ્ટ કરી દે છે અને સત્યતાને સાબિત કરે છે, તે હૃદયોની વાતોને જાણે છે
જો અલ્લાહ તઆલા પોતાના બંદાઓની રોજીમાં વધારો કરતો, તો તેઓ ધરાતીમાં વિદ્રોહ કરવા લાગતાં, પરંતુ તે એક પ્રમાણ મુજબ, જે કંઈ ઇચ્છે છે, તે મોકલે છે, તે પોતાના બંદાઓને ખૂબ સારી રીતે જાણે છે અને જૂએ છે
તમને જે કંઈ આપવામાં આવ્યું છે, તે દુનિયાના જીવનનો થોડોક સામાન છે અને અલ્લાહ પાસે જે કંઈ છે, તે આના કરતા શ્રેષ્ઠ અને હંમેશા રહેવાવાળું છે, તે તેમના માટે છે, જે ઈમાન લાવ્યા અને ફક્ત પોતાના પાલનહાર પર જ ભરોસો કરે છે
અને પોતાના પાલનહારના આદેશોને માને છે અને નમાઝ કાયમ પઢે છે અને તેમનું (દરેક) કાર્ય એક-બીજાના સલાહ-સૂચનથી થાય છે અને જે કંઈ અમે તેમને આપ્યું છે, તેમાંથી દાન કરે છે
અને બુરાઇનો બદલો તેની માફક જ બુરાઇ છે અને જે માફ કરી દે અને સુધારો કરી લે, તેનો બદલો અલ્લાહના શિરે છે, (ખરેખર) અલ્લાહ તઆલા અત્યાચારી લોકોને પસંદ નથી કરતો
અને જેને અલ્લાહ તઆલા પથભ્રષ્ટ કરી દે, તેના માટે ત્યાર પછી કોઇ માર્ગ નથી અને તમે જોશો કે અત્યાચારી લોકો યાતનાને જોઇને કહેતા હશે કે શું પાછા ફરવાનો કોઇ માર્ગ છે
અને તમે તેમને જોશો કે તેઓ (જહન્નમ) સામે લાવવામાં આવશે, અપમાનિત થઇ ઝૂકી પડેલા હશે અને ત્રાંસી આંખો વડે જોઇ રહ્યા હશે, ઈમાનવાળાઓ સ્પષ્ટ કહી દેશે કે ખરેખર નુકસાન ઉઠાવનારા તે લોકો છે, જેમણે આજે કયામતના દિવસે પોતાને અને પોતાના ઘરવાળાઓને નુકસાનમાં નાંખી દીધા, યાદ રાખો ! કે ખરેખર અત્યાચારી લોકો હંમેશા રહેવાવાળી યાતનામાં છે
પોતાના પાલનહારનો આદેશ માની લો, તે પહેલા કે અલ્લાહ તરફથી તે દિવસ આવી જાય, જેનું ટળી જવું અશક્ય છે, તમને તે દિવસે ન તો કોઇ શરણ માટે જગ્યા મળશે અને ન તો છૂપાઇ જઇને અજાણ બની જવાની
જો આ લોકો મોઢું ફેરવી લે, તો અમે તમને તે લોકોના નિરીક્ષક બનાવીને નથી મોકલ્યા, તમારી જવાબદારી તો ફક્ત આદેશ પહોંચાડી દેવાની છે, અમે જ્યારે પણ મનુષ્યને પોતાની કૃપાનો સ્વાદ ચખાડીએ છીએ, તો તે તેના પર ઇતરાવા લાગે છે અને જો તેમના પર તેમના કાર્યોના કારણે કોઇ મુસીબત પહોંચે છે, તો ખરેખર મનુષ્ય ઘણો જ કૃતધ્ની છે
અશક્ય છે કે કોઇ મનુષ્ય સાથે અલ્લાહ તઆલા કલામ કરે, સિવાય વહી દ્વારા, અથવા પરદાની પાછળથી, અથવા કોઇ ફરિશ્તાને મોકલે અને તે અલ્લાહના આદેશથી, જે તે (અલ્લાહ) ઇચ્છે વહી કરી શકે છે, નિ:શંક તે સર્વોચ્ચ છે, હિકમતવાળો છે
અને આવી જ રીતે અમે તમારી તરફ પોતાના આદેશથી રૂહને અવતરિત કર્યા છે અને તમે આ પહેલા તે પણ નહતા જાણતા કે કિતાબ અને ઈમાન શું છે, પરંતુ અમે તેને નૂર બનાવ્યું, તેના દ્વારા પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છીએ, સત્ય માર્ગ બતાવીએ છીએ, નિ:શંક તમે સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપી રહ્યા છો