Back to Languages

Gujarati - Chapter 26 - Ash-Shuara

Translation by Rabila Al Omari — Permalink

Verse 1 — Surah Ash-Shuara 26:1

તૉ-સીન્-મીમ્

Verse 2 — Surah Ash-Shuara 26:2

આ આયતો પ્રકાશિત કિતાબની છે

Verse 3 — Surah Ash-Shuara 26:3

તે લોકોના ઈમાન ન લાવવા પર કદાચ તમે તમારા પ્રાણ ગુમાવી દેશો

Verse 4 — Surah Ash-Shuara 26:4

જો અમે ઇચ્છતા તો તેમના માટે આકાશ માંથી કોઈ એવી નિશાની ઉતારતા, કે જેની સામે તે લોકોની ગરદનો ઝૂકી પડતી

Verse 5 — Surah Ash-Shuara 26:5

અને તેમની પાસે રહમાન (અલ્લાહ) તરફથી જે પણ નવી શિખામણ આવી, આ લોકો તેના વિરોધ કરનારા બની ગયા

Verse 6 — Surah Ash-Shuara 26:6

તે લોકોએ જુઠલાવ્યું છે, હવે તેમના માટે નજીકમાં જ તેમની જાણકારી આવી પહોંચશે, જેની સાથે તેઓ મશ્કરી કરી રહ્યા છે

Verse 7 — Surah Ash-Shuara 26:7

શું તે લોકોએ ધરતી પર જોયું નથી કે, અમે તેમાં દરેક પ્રકારની ઉત્તમ જોડીઓ કેવી રીતે ઊપજાવી છે

Verse 8 — Surah Ash-Shuara 26:8

નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા

Verse 9 — Surah Ash-Shuara 26:9

અને ખરેખર તમારો પાલનહાર તે (અલ્લાહ) જ વિજયી અને દયાળુ છે

Verse 10 — Surah Ash-Shuara 26:10

અને જ્યારે તમારા પાલનહારે મૂસા અ.સ.ને પોકાર્યા, કે તમે અત્યાચારી કોમ તરફ જાઓ

Verse 11 — Surah Ash-Shuara 26:11

ફિરઔનની કોમ પાસે, શું તે ડરવાવાળા નહીં બને

Verse 12 — Surah Ash-Shuara 26:12

મૂસા અ.સ.એ કહ્યું, મારા પાલનહાર ! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી (ન) દે

Verse 13 — Surah Ash-Shuara 26:13

અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે, મારી જબાન ચાલતી નથી, બસ ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર

Verse 14 — Surah Ash-Shuara 26:14

અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે

Verse 15 — Surah Ash-Shuara 26:15

અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે પોતે સાંભળનાર, તમારી સાથે છે

Verse 16 — Surah Ash-Shuara 26:16

તમે બન્ને ફિરઔન પાસે જઇને કહો, કે ખરેખર અમે અલ્લાહ તરફથી મોકલવામાં આવ્યા છે

Verse 17 — Surah Ash-Shuara 26:17

કે તું અમારી સાથે ઇસ્રાઇલના સંતાનોને મોકલી દે

Verse 18 — Surah Ash-Shuara 26:18

ફિરઔને કહ્યું, કે શું અમે અમારે ત્યાં તારું બાળપણમાં પાલન-પોષણ ન કર્યું ? અને તારો ઘણો સમય અમારી સાથે ન વિતાવ્યો

Verse 19 — Surah Ash-Shuara 26:19

પછી તેં કામ કર્યું (અને) કરી ચૂક્યો, અને તું કૃતઘ્ની છે

Verse 20 — Surah Ash-Shuara 26:20

મૂસા અ.સ.એ જવાબ આપ્યો કે મેં તે કામને તે સમયે કર્યું હતું, જ્યારે કે મને સત્યમાર્ગનું જ્ઞાન ન હતું

Verse 21 — Surah Ash-Shuara 26:21

પછી તમારા ભયથી હું તમારી પાસેથી ભાગી ગયો, પછી મને મારા પાલનહારે આદેશ અને જ્ઞાન આપ્યું. અને મને તેના પયગંબરો માંથી કરી દીધો

Verse 22 — Surah Ash-Shuara 26:22

તારો ઉપકાર મારા પર શું આ જ છે, જે તું જણાવી રહ્યો છે કે તેં ઇસ્રાઇલના સંતાનોને દાસ બનાવી રાખ્યા છે

Verse 23 — Surah Ash-Shuara 26:23

ફિરઔને કહ્યું “રબ્બુલ્ આલમીન્” (સૃષ્ટિનો પાલનહાર) શું છે

Verse 24 — Surah Ash-Shuara 26:24

મૂસા અ.સ.એ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય

Verse 25 — Surah Ash-Shuara 26:25

ફિરઔને પોતાના આજુ-બાજુના લોકોને કહ્યું કે શું તમે સાંભળતા નથી

Verse 26 — Surah Ash-Shuara 26:26

મૂસા અ.સ.એ કહ્યું, તે તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે

Verse 27 — Surah Ash-Shuara 26:27

ફિરઔને કહ્યું, (લોકો) તમારો આ પયગંબર, જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે, તે તો ખરેખર પાગલ છે

Verse 28 — Surah Ash-Shuara 26:28

મૂસા અ.સ.એ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ

Verse 29 — Surah Ash-Shuara 26:29

ફિરઔન કહેવા લાગ્યો, સાંભળ ! જો તેં મને છોડીને બીજા કોઈને પૂજ્ય બનાવ્યો તો, હું તને કેદીઓ સાથે નાખી દઇશ

Verse 30 — Surah Ash-Shuara 26:30

મૂસા અ.સ.એ કહ્યું, જો હું તારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લઇ આવું

Verse 31 — Surah Ash-Shuara 26:31

ફિરઔને કહ્યું, જો તું સાચા લોકો માંથી હોવ, તો તેને લાવ

Verse 32 — Surah Ash-Shuara 26:32

મૂસા અ.સ.એ (તે જ સમયે) પોતાની લાકડી નાખી દીધી, જે અચાનક ખુલ્લો અજગર બની ગઇ

Verse 33 — Surah Ash-Shuara 26:33

અને પોતાનો હાથ ખેંચ્યો તો, તે પણ તે જ સમયે દરેક જોનારા માટે સફેદ ચમકદાર દેખાવા લાગ્યો

Verse 34 — Surah Ash-Shuara 26:34

ફિરઔન પોતાની આજુબાજુ સરદારોને કહેવા લાગ્યો, ભાઇ આ તો ખૂબ જ જાણકાર જાદુગર છે

Verse 35 — Surah Ash-Shuara 26:35

આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો ! હવે તમે શું આદેશ આપો છો

Verse 36 — Surah Ash-Shuara 26:36

તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો

Verse 37 — Surah Ash-Shuara 26:37

જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે

Verse 38 — Surah Ash-Shuara 26:38

પછી એક નક્કી કરેલ દિવસે, દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા

Verse 39 — Surah Ash-Shuara 26:39

અને દરેક લોકોને કહી દેવામાં આવ્યું કે તમે પણ સભામાં હાજર રહેજો

Verse 40 — Surah Ash-Shuara 26:40

જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરીશું

Verse 41 — Surah Ash-Shuara 26:41

જાદુગરો આવી ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે

Verse 42 — Surah Ash-Shuara 26:42

ફિરઔને કહ્યું, હાં, જો એવું થયું તો તમે મારા ખાસ લોકો બની જશો

Verse 43 — Surah Ash-Shuara 26:43

મૂસા અ.સ.એ જાદુગરોને કહ્યું, જે કંઇ તમારે નાંખવું હોય, નાખી દો

Verse 44 — Surah Ash-Shuara 26:44

તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે, ફિરઔનના ઇજજતના સોગંદ ! ખરેખર અમે જ વિજય મેળવીશું

Verse 45 — Surah Ash-Shuara 26:45

હવે મૂસા અ.સ.એ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું

Verse 46 — Surah Ash-Shuara 26:46

આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા

Verse 47 — Surah Ash-Shuara 26:47

અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા

Verse 48 — Surah Ash-Shuara 26:48

એટલે કે મૂસા અ.સ. અને હારૂન અ.સ.ના પાલનહાર પર

Verse 49 — Surah Ash-Shuara 26:49

ફિરઔને કહ્યું, કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા ? ખરેખર આ જ તમારો મોટો (સરદાર) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ

Verse 50 — Surah Ash-Shuara 26:50

તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા જ છે

Verse 51 — Surah Ash-Shuara 26:51

એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવનારા બન્યા, અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે

Verse 52 — Surah Ash-Shuara 26:52

અને અમે મૂસાને વહી કરી કે રાતની રાતમાં જ મારા બંદાઓને કાઢીને લઇ જા, તમારો સૌનો પીછો કરવામાં આવશે

Verse 53 — Surah Ash-Shuara 26:53

ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા

Verse 54 — Surah Ash-Shuara 26:54

કે નિ:શંક આ જૂથના લોકો થોડાંક જ છે

Verse 55 — Surah Ash-Shuara 26:55

અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે

Verse 56 — Surah Ash-Shuara 26:56

અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા

Verse 57 — Surah Ash-Shuara 26:57

છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે

Verse 58 — Surah Ash-Shuara 26:58

અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા

Verse 59 — Surah Ash-Shuara 26:59

આવી જ રીતે થયું અને અમે તે વસ્તુઓના વારસદાર ઇસ્રાઇલના સંતાનને બનાવ્યા

Verse 60 — Surah Ash-Shuara 26:60

બસ ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા

Verse 61 — Surah Ash-Shuara 26:61

બસ ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા

Verse 62 — Surah Ash-Shuara 26:62

મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે

Verse 63 — Surah Ash-Shuara 26:63

અમે મૂસા તરફ વહી ઉતારી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો

Verse 64 — Surah Ash-Shuara 26:64

અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા

Verse 65 — Surah Ash-Shuara 26:65

અને મૂસા અ.સ.ને અને તેમના દરેક મિત્રોને છૂટકારો આપ્યો

Verse 66 — Surah Ash-Shuara 26:66

પછી બીજા લોકોને ડુબાડી દીધા

Verse 67 — Surah Ash-Shuara 26:67

ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી

Verse 68 — Surah Ash-Shuara 26:68

અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે

Verse 69 — Surah Ash-Shuara 26:69

તે લોકોને ઇબ્રાહીમ અ.સ.નો કિસ્સો પણ સંભળાવી દો

Verse 70 — Surah Ash-Shuara 26:70

જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો

Verse 71 — Surah Ash-Shuara 26:71

તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે

Verse 72 — Surah Ash-Shuara 26:72

તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે

Verse 73 — Surah Ash-Shuara 26:73

અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે

Verse 74 — Surah Ash-Shuara 26:74

તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા

Verse 75 — Surah Ash-Shuara 26:75

તેમણે કહ્યું, કંઇ ખબર છે જેઓની બંદગી તમે કરી રહ્યા છો

Verse 76 — Surah Ash-Shuara 26:76

તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે

Verse 77 — Surah Ash-Shuara 26:77

અલ્લાહ તઆલા સિવાય, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર છે

Verse 78 — Surah Ash-Shuara 26:78

જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે

Verse 79 — Surah Ash-Shuara 26:79

તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે

Verse 80 — Surah Ash-Shuara 26:80

અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે જ કરે છે

Verse 81 — Surah Ash-Shuara 26:81

અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે

Verse 82 — Surah Ash-Shuara 26:82

અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે

Verse 83 — Surah Ash-Shuara 26:83

હે મારા પાલનહાર ! મને ફેંસલો કરવાની શક્તિ આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે

Verse 84 — Surah Ash-Shuara 26:84

અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ

Verse 85 — Surah Ash-Shuara 26:85

મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ

Verse 86 — Surah Ash-Shuara 26:86

અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે પથભ્રષ્ટ લોકો માંથી હતાં

Verse 87 — Surah Ash-Shuara 26:87

અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર

Verse 88 — Surah Ash-Shuara 26:88

જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે

Verse 89 — Surah Ash-Shuara 26:89

પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું દિલ લઇને આવશે

Verse 90 — Surah Ash-Shuara 26:90

અને ડરવાવાળાઓ માટે જન્નત અત્યંત નજીક કરી દેવામાં આવશે

Verse 91 — Surah Ash-Shuara 26:91

અને પથભ્રષ્ટ લોકો માટે જહન્નમ જાહેર કરી દેવામાં આવશે

Verse 92 — Surah Ash-Shuara 26:92

અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે

Verse 93 — Surah Ash-Shuara 26:93

જે અલ્લાહ સિવાય બીજા લોકો હતાં, શું તેઓ તમારી મદદ કરે છે ? અથવા કોઈ બદલો લઇ શકે છે

Verse 94 — Surah Ash-Shuara 26:94

બસ ! તે સૌ અને બધા પથભ્રષ્ટ લોકો જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે

Verse 95 — Surah Ash-Shuara 26:95

અને ઇબ્લિસના લશ્કરો પણ ત્યાં

Verse 96 — Surah Ash-Shuara 26:96

અંદરોઅંદર ઝઘડો કરતા કહેશે

Verse 97 — Surah Ash-Shuara 26:97

કે અલ્લાહના નામના સોગંદ ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ હતાં

Verse 98 — Surah Ash-Shuara 26:98

જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં

Verse 99 — Surah Ash-Shuara 26:99

અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ નહતાં કર્યા

Verse 100 — Surah Ash-Shuara 26:100

હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી

Verse 101 — Surah Ash-Shuara 26:101

અને ન તો શુભેચ્છુક મિત્ર

Verse 102 — Surah Ash-Shuara 26:102

જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં

Verse 103 — Surah Ash-Shuara 26:103

આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી

Verse 104 — Surah Ash-Shuara 26:104

નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે

Verse 105 — Surah Ash-Shuara 26:105

નૂહની કોમના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા

Verse 106 — Surah Ash-Shuara 26:106

જ્યારે કે તેમના ભાઇ નૂહ અ.સ.એ કહ્યું, કે શું તમને અલ્લાહનો ભય નથી

Verse 107 — Surah Ash-Shuara 26:107

સાંભળો ! હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું

Verse 108 — Surah Ash-Shuara 26:108

બસ ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ

Verse 109 — Surah Ash-Shuara 26:109

હું તમારી પાસે તેના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે

Verse 110 — Surah Ash-Shuara 26:110

બસ ! તમે અલ્લાહનો ડર રાખો અને મારું આજ્ઞાપાલન કરો

Verse 111 — Surah Ash-Shuara 26:111

કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે

Verse 112 — Surah Ash-Shuara 26:112

પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ પહેલા શું કરતા હતાં

Verse 113 — Surah Ash-Shuara 26:113

તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજણ હોય

Verse 114 — Surah Ash-Shuara 26:114

હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી

Verse 115 — Surah Ash-Shuara 26:115

હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું

Verse 116 — Surah Ash-Shuara 26:116

તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું

Verse 117 — Surah Ash-Shuara 26:117

નૂહ અ.સ.એ કહ્યું કે હે મારા પાલનહાર ! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો

Verse 118 — Surah Ash-Shuara 26:118

બસ ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ

Verse 119 — Surah Ash-Shuara 26:119

છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો

Verse 120 — Surah Ash-Shuara 26:120

બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા

Verse 121 — Surah Ash-Shuara 26:121

નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં

Verse 122 — Surah Ash-Shuara 26:122

અને નિ:શંક તમારો પાલનહાર તે જ છે, અત્યંત દયાળુ

Verse 123 — Surah Ash-Shuara 26:123

આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા

Verse 124 — Surah Ash-Shuara 26:124

જ્યારે તેમને તેમના ભાઇ હૂદ અ.સ.એ કહ્યું, કે શું તમે ડરતા નથી

Verse 125 — Surah Ash-Shuara 26:125

હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું

Verse 126 — Surah Ash-Shuara 26:126

બસ ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો

Verse 127 — Surah Ash-Shuara 26:127

હું તેના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો. મારો બદલો તો સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે જ છે

Verse 128 — Surah Ash-Shuara 26:128

શું તમે એક ટેકરી પર રમત-ગમત માટે આલીશાન (ઇમારતો) બનાવી રહ્યા છો

Verse 129 — Surah Ash-Shuara 26:129

અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો

Verse 130 — Surah Ash-Shuara 26:130

અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત અને અત્યાચાર સાથે આપો છો

Verse 131 — Surah Ash-Shuara 26:131

અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો

Verse 132 — Surah Ash-Shuara 26:132

તેનાથી ડરો, જેણે તે વસ્તુ દ્વારા તમારી મદદ કરી જેને તમે જાણો છો

Verse 133 — Surah Ash-Shuara 26:133

તેણે તમારી મદદ કરી, ધન અને સંતાન દ્વારા

Verse 134 — Surah Ash-Shuara 26:134

બગીચા અને ઝરણાં દ્વારા

Verse 135 — Surah Ash-Shuara 26:135

મને તો તમારી બાબતે મોટા દિવસની યાતનાનો ભય છે

Verse 136 — Surah Ash-Shuara 26:136

તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે

Verse 137 — Surah Ash-Shuara 26:137

આ તો જૂના લોકોની આદત છે

Verse 138 — Surah Ash-Shuara 26:138

અને અમને ક્યારેય યાતના આપવામાં નહીં આવે

Verse 139 — Surah Ash-Shuara 26:139

જો કે આદના લોકોએ હૂદ અ.સ.ને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઇન્કાર કરનારા હતાં

Verse 140 — Surah Ash-Shuara 26:140

નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે

Verse 141 — Surah Ash-Shuara 26:141

ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા

Verse 142 — Surah Ash-Shuara 26:142

તેમના ભાઇ સાલિહ અ.સ.એ તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા

Verse 143 — Surah Ash-Shuara 26:143

હું તમારી તરફ અવતરિત કરેલો નિષ્ઠાવાન પયગંબર છું

Verse 144 — Surah Ash-Shuara 26:144

તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો

Verse 145 — Surah Ash-Shuara 26:145

હું આના માટે તમારી પાસે કોઈ વળતર નથી ઇચ્છતો. મારું વળતર તો ફક્ત સમગ્ર સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે છે

Verse 146 — Surah Ash-Shuara 26:146

શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશે

Verse 147 — Surah Ash-Shuara 26:147

એટલે કે આ બગીચાઓ અને ઝરણા

Verse 148 — Surah Ash-Shuara 26:148

અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે

Verse 149 — Surah Ash-Shuara 26:149

અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો

Verse 150 — Surah Ash-Shuara 26:150

બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો

Verse 151 — Surah Ash-Shuara 26:151

નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો

Verse 152 — Surah Ash-Shuara 26:152

જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા

Verse 153 — Surah Ash-Shuara 26:153

તેમણે કહ્યું કે બસ ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું

Verse 154 — Surah Ash-Shuara 26:154

તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ ચમત્કાર બતાવો

Verse 155 — Surah Ash-Shuara 26:155

પયગંબરે કહ્યું છે. આ છે ઊંટડી, પાણી પીવા માટે એક વારો તેનો અને એક નક્કી કરેલ દિવસે પીવાનો વારો તમારો

Verse 156 — Surah Ash-Shuara 26:156

(ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસની યાતના તમારી પકડ કરી લેશે

Verse 157 — Surah Ash-Shuara 26:157

તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, બસ ! તેઓએ દિલગીરી વ્યક્ત કરી

Verse 158 — Surah Ash-Shuara 26:158

અને યાતનાએ તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં

Verse 159 — Surah Ash-Shuara 26:159

અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે

Verse 160 — Surah Ash-Shuara 26:160

લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા

Verse 161 — Surah Ash-Shuara 26:161

તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા

Verse 162 — Surah Ash-Shuara 26:162

હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું

Verse 163 — Surah Ash-Shuara 26:163

બસ ! તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો

Verse 164 — Surah Ash-Shuara 26:164

હું તમારી પાસેથી આના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારું વળતર તો ફક્ત અલ્લાહ પાસે છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે

Verse 165 — Surah Ash-Shuara 26:165

શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે (સંભોગ) કરો છો

Verse 166 — Surah Ash-Shuara 26:166

અને તમારી જે સ્ત્રીઓને અલ્લાહએ તમારા જોડકા બનાવ્યા છે, તેમને છોડી દો છો, પરંતુ તમે હદ વટાવી જનારા જ છો

Verse 167 — Surah Ash-Shuara 26:167

તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત ! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે

Verse 168 — Surah Ash-Shuara 26:168

લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું

Verse 169 — Surah Ash-Shuara 26:169

મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે જે આ લોકો કરે છે

Verse 170 — Surah Ash-Shuara 26:170

બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા

Verse 171 — Surah Ash-Shuara 26:171

એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ

Verse 172 — Surah Ash-Shuara 26:172

પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા

Verse 173 — Surah Ash-Shuara 26:173

અને અમે તેમના પર એક ખાસ પ્રકારનો વરસાદ વરસાવ્યો. બસ ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો

Verse 174 — Surah Ash-Shuara 26:174

આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તેમના માંથી પણ વધારે પડતા લોકો મુસલમાન ન હતાં

Verse 175 — Surah Ash-Shuara 26:175

નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ

Verse 176 — Surah Ash-Shuara 26:176

અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા

Verse 177 — Surah Ash-Shuara 26:177

જ્યારે તેમને શુઐબ અ.સ.એ કહ્યું, કે શું તમને ડર નથી

Verse 178 — Surah Ash-Shuara 26:178

હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું

Verse 179 — Surah Ash-Shuara 26:179

અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો

Verse 180 — Surah Ash-Shuara 26:180

હું આના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે

Verse 181 — Surah Ash-Shuara 26:181

માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો

Verse 182 — Surah Ash-Shuara 26:182

અને સાચા ત્રાજવા વડે તોલો

Verse 183 — Surah Ash-Shuara 26:183

લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો

Verse 184 — Surah Ash-Shuara 26:184

તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું

Verse 185 — Surah Ash-Shuara 26:185

તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો જેમના પર જાદુ કરી દેવામાં આવે છે

Verse 186 — Surah Ash-Shuara 26:186

અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠ બોલનારાઓ માંથી સમજીએ છીએ

Verse 187 — Surah Ash-Shuara 26:187

જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશના ટુકડા ફેંકી બતાવ

Verse 188 — Surah Ash-Shuara 26:188

કહ્યું કે મારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે જે કંઇ તમે કરી રહ્યા છો

Verse 189 — Surah Ash-Shuara 26:189

કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો, તેમને છાંયડાના દિવસના પ્રકોપે પકડી લીધા, તે ભારે દિવસનો પ્રકોપે હતો

Verse 190 — Surah Ash-Shuara 26:190

નિ:શંક આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો મુસલમાન ન હતાં

Verse 191 — Surah Ash-Shuara 26:191

અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ

Verse 192 — Surah Ash-Shuara 26:192

અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે અવતરિત કરેલ છે

Verse 193 — Surah Ash-Shuara 26:193

આને નિષ્ઠાવાન ફરિશ્તો લઇને આવ્યો છે

Verse 194 — Surah Ash-Shuara 26:194

તમારા હૃદય પર અવતરિત થયું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ

Verse 195 — Surah Ash-Shuara 26:195

સ્પષ્ટ અરબી ભાષામાં છે

Verse 196 — Surah Ash-Shuara 26:196

આગળના પયગંબરોની કિતાબોમાં પણ આ કુરઆનનું વર્ણન છે

Verse 197 — Surah Ash-Shuara 26:197

શું તે લોકો માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે

Verse 198 — Surah Ash-Shuara 26:198

અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર અવતરિત કરતા

Verse 199 — Surah Ash-Shuara 26:199

બસ ! તે તેમની સામે આ કુરઆન પઢતો તો તેને ન સમજતા

Verse 200 — Surah Ash-Shuara 26:200

આવી જ રીતે અમે પાપીઓના હૃદયમાં આ ઇન્કારને નાંખી દીધું

Verse 201 — Surah Ash-Shuara 26:201

તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી યાતનાને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે

Verse 202 — Surah Ash-Shuara 26:202

બસ ! તે યાતના તેમની પાસે અચાનક આવી જશે, તેમને આના વિશે ભાન પણ નહીં હોય

Verse 203 — Surah Ash-Shuara 26:203

તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે

Verse 204 — Surah Ash-Shuara 26:204

બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે છે

Verse 205 — Surah Ash-Shuara 26:205

સારું, એ પણ જણાવો કે જો અમે તે લોકોને કેટલાય વર્ષ સુધી લાભ લેવા દઇએ

Verse 206 — Surah Ash-Shuara 26:206

પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી

Verse 207 — Surah Ash-Shuara 26:207

તો જે કંઇ પણ આ લોકો કરતા રહ્યા, તે માંથી કંઇ પણ ફાયદો નહીં પહોંચે

Verse 208 — Surah Ash-Shuara 26:208

અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા

Verse 209 — Surah Ash-Shuara 26:209

શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી

Verse 210 — Surah Ash-Shuara 26:210

આ કુરઆનને શેતાન નથી લાવ્યા

Verse 211 — Surah Ash-Shuara 26:211

તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે

Verse 212 — Surah Ash-Shuara 26:212

પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા

Verse 213 — Surah Ash-Shuara 26:213

બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે પણ સજા પામનારા બની જાવ

Verse 214 — Surah Ash-Shuara 26:214

પોતાના સંબંધીઓને સચેત કરી દો

Verse 215 — Surah Ash-Shuara 26:215

જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો

Verse 216 — Surah Ash-Shuara 26:216

જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો

Verse 217 — Surah Ash-Shuara 26:217

પોતાનો સંપૂર્ણ ભરોસો વિજયી, દયાળુ અલ્લાહ પર રાખ

Verse 218 — Surah Ash-Shuara 26:218

જે તમને જોતો રહે છે, જ્યારે તમે ઊભા થાવ છો

Verse 219 — Surah Ash-Shuara 26:219

અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારું ફરવું પણ

Verse 220 — Surah Ash-Shuara 26:220

તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જાણકાર છે

Verse 221 — Surah Ash-Shuara 26:221

શું તમને હું જણાવું કે શેતાન કોની તરફ આવે છે

Verse 222 — Surah Ash-Shuara 26:222

તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે

Verse 223 — Surah Ash-Shuara 26:223

અફવાઓ સંભળાવી દે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે

Verse 224 — Surah Ash-Shuara 26:224

કવિઓનું અનુસરણ તે લોકો કરે છે, જે પથભ્રષ્ટ છે

Verse 225 — Surah Ash-Shuara 26:225

શું તમે નથી જોયું કે કવિ જંગલોમાં માથા પછાડતા ફરે છે

Verse 226 — Surah Ash-Shuara 26:226

અને તે લોકો જે કહે છે તે કરતા નથી

Verse 227 — Surah Ash-Shuara 26:227

ઈમાનવાળા અને સત્કાર્ય કરનારા સિવાય અને અલ્લાહના નામનું સ્મરણ વધારે કર્યું અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, જે લોકોએ અત્યાચાર કર્યો છે, તે લોકો પણ નજીકમાં જાણી લેશે કે કેવા પડખે પલટશે